હાલ દુનિયાભરમાં ભારતીય યોગ ખૂબ પ્રચલિત થઈ રહ્યો છે. સામાન્ય રીતે યુવા અને પુખ્ત વયના લોકોમાં યોગ શીખવાનું, યોગ કરવાનું વલણ જોવા મળે છે. પણ યોગ શીખવાની સાચી ઉંમર છ થી આઠ વર્ષની છે, જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેના તેમને ખૂબ બેનિફિટ મળે છે, જે જીવનભર કામ આવે છે.
અત્યારના યુગમાં બાળકોમાં મોટા પ્રમાણમાં મેદસ્વીતા (ઓબેસિટી) જોવા મળે છે. જંક ફૂડ, પેકેટ ફૂડ અને બહારના ખોરાકનું વધારે પડતું સેવન તેનું મુખ્ય કારણ છે. વળી આજકાલના બાળકોમાં આઉટડોર ગેમ્સ રમવાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. તેઓ પોતાનો ફાજલ સમય ટીવી, મોબાઈલ કે કમ્પ્યૂટર સાથે વીતાવે છે. શારીરિક કસરતનો અભાવ એ પણ સ્થૂળતા તરફ દોરી જાય છે. આ સ્થૂળતા આગળ જતાં અનેક રોગો જન્માવે છે.
જંક ફૂડના સેવનથી વિપરિત શારીરિક અને માનસિક અસરો થાય છે. આજના બાળકો વધુ પડતા એગ્રિસવ બનતા જાય છે. તેમનામાં ગુસ્સો, ચિડિયાપણું, આક્રમકતા અને ક્યારેક હિંસાત્મક વલણ પણ જોવા મળે છે. યોગના અભ્યાસથી આવી નકારાત્મક માનસિક અસરો ઓછી અથવા સદંતર નાબૂદ થઈ જાય છે.
 

શારીરિક –માનસિક લાભો

યોગાસનો અને પ્રાણાયમના અભ્યાસથી બાળકોની માનસિક શક્તિમાં વધારો થાય છે અને સાથે સાથે શારીરિક લાભ પણ થાય છે. યોગાસનોના અભ્યાસથી તેમની લવચિક્તા અને તાકાતમાં વધારો થાય છે. તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. તેથી અંગોની પુષ્ટિ થાય છે, તંદુરસ્તી વધે છે. તેમનાં હાડકાં મજબૂત બને છે, સ્નાયુઓ સુડોળ બને છે અને તેમનો યથાયોગ્ય વિકાસ થાય છે. યોગના તમામ પાસાઓ- આસન, ધ્યાન, મંત્રો, પ્રાણાયમ- આદિની પ્રેક્ટિસથી તેમની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારી વધે છે અને તેમનામાં તણાવને સહન કરવાની શક્તિ ડેવલપ થાય છે. યોગના અભ્યાસથી બાળકોના સ્વભાવમાં ઘણું પરિવર્તન આવે છે. અન્યો સાથે કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે વર્તવું, શું ખાવું- શું ના ખાવું, શરીરને કેવી રીતે સાચવવું તેની ખબર પડે છે. તેમનામાં પશુંપંખી અને અન્ય માનવો પ્રત્યે અનુકંપાનો ભાવ કેળવાય છે. યોગાભ્યાસથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. તેમની ગ્રહણશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં વધારો થાય છે અને અભ્યાસમાં તેમ જ ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ તેમનું પરફોર્મન્સ વધુ સારું થાય છે.

 

બાળકો માટે યોગને બનાવો આનંદદાયી

આજકાલ ઘણી સ્કૂલોમાં બાળકોને યોગ શીખવવામાં આવે છે. બાળકને યોગ તરફ પ્રેરિત કરવા માટે તેને સમજાવો કે તેનાથી શા શા ફાયદા થાય છે. અન્ય બાળકો સાથે કે ઘરના સભ્યો સાથે યોગ કરવાથી બાળકને તે કંટાળાજનક નથી લાગતું. જો તમે પણ બાળકની સાથે યોગ કરશો તો તેને મઝા પડશે અને તેને યોગાભ્યાસ કરવાની ટેવ પડશે. બાળકોને યોગાભ્યાસ કરવા માટે દબાણ ના કરશો, પણ જો રમતાં- રમતાં તેની સાથે થોડા આસનો કરશો તો તેને એમાં રસ પડશે અને તે આસનો કરવા પ્રેરાશે.

બાળકોની સાથે સૂર્યનમસ્કાર, ધનુરાસન, માર્જારાસન, સર્પાસન, ગૌમુખાસન, તાડાસન, શવાસન જેવા આસનો કરો. આ આસનો સરળ છે અને બાળકના સર્વાંગી વિકાસમાં મદદરૂપ છે.

રેફ્રન્સ : જ્યોતિ પટેલ,લેખિકા સર્ટિફાઈડ યોગ ટીચર છે અને છેલ્લાં દસ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે

url

Image
યોગ છે બાળકો માટે અનેક રીતે લાભદાયી